vakhat viityaanii aakhii vigat rangaaraa - Ghazals | RekhtaGujarati

વખત વીત્યાની આખી વિગત રંગારા

vakhat viityaanii aakhii vigat rangaaraa

નિકુંજ ભટ્ટ નિકુંજ ભટ્ટ
વખત વીત્યાની આખી વિગત રંગારા
નિકુંજ ભટ્ટ

વખત વીત્યાની આખી વિગત રંગારા;

લખી જણાવી, જાણે તું જત રંગારા.

ભીંતો રંગી ને, રંગી છત રંગારા;

છતાંય પામ્યાં નહિ, ઘરની ગત રંગારા!

જેની સાથે તારી સોબત રંગારા;

એની શાથી કોરી છે પ્રત રંગારા?

તારા રંગો તો અજવાળે પળ બે પળ;

પણ મારું, અંધારું શાશ્વત રંગારા!

રંગો ઘોળી જ્યાં જુઓ ત્યાં રંગે છે;

પોતે હો જાણે, પારંગત રંગારા!

કાંઠે હું પીંછી લઈને બેસું તો-

સામે કાંઠે બાજે છે તત રંગારા!

કૅનવાસ પર જીવતર ઊપસી આવ્યું છે!

આંખો વેઠી રહી છે આરત રંગારા!

એના કાગળ એની માફક તરસ્યા છે;

જેની, પીંછીએ રાખ્યાં, વ્રત રંગારા!

બધાંય દૃશ્યોને નીરખીને જોયા તો;

દેખાણા તારા દસ્તખત, રંગારા!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન