same nathi koi ane sharmai rahyo chhun - Ghazals | RekhtaGujarati

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું

same nathi koi ane sharmai rahyo chhun

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું
સૈફ પાલનપુરી

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું

હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું

મારો ખુલાસાઓથી ટેવાએલો ચેહરો

ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો

એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું

ગઈ કાલે અમસ્તા હું થોડુંક હસ્યો’તો

આજે વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું

તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ

કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું

કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું

કહેવું છે ઘણું “સૈફ” અને કહી નથી શકતો

શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

સ્રોત

  • પુસ્તક : હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : 2