સંબંધ
sambandh
આશ્લેષ ત્રિવેદી
Aashlesh Trivedi

રંધાતું હોય કાચું એવી ક્યાંક ગંધ છે,
પણ સમજી ના શકાય એવો અહીં પ્રબંધ છે.
દીવાલ જેવું આમ હતું તો નહીં કશું
ને બારણાં હજીય એનાં ઘરનાં બંધ છે.
આખર મળી ગયો મને પર્યાય યાદનો
રણના વેરાન કાગળે ફૂલનો નિબંધ છે.
કટકા થઈ ગયા ને છતાં સાવ કોરોકટ
પથ્થરનો પાણી સાથે અજાયબ સબંધ છે
આ ઉષ્ણતા રુધિરની હવે ક્યાં જઈ શકે
દાઝેલ ટેરવાંની ત્વચા સાવ અંધ છે.
જડતીય લઈ લો દોસ્ત કશું લઈ જતો નથી
મારી જ લાશ છે અને મારો જ સ્કંધ છે.



સ્રોત
- પુસ્તક : નિશ્ચય (પૃષ્ઠ ક્રમાંક 51)
- સર્જક : આશ્લેષ ત્રિવેદી
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1983