અજવાળાં-અંધારા વચ્ચે
anjvalan-andharan vachche
શબનમ ખોજા
Shabnam Khoja

અજવાળાં-અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
તારું પાક સ્મરણ હો કાયમ
પલકારા- ધબકારા વચ્ચે.
ઇચ્છાઓ જીવી ગઈ આખર
હોંકારા-પડકારા વચ્ચે!
શબ્દો સઘળા રઝળી ગયા છે
કાગળ ને હલકારા વચ્ચે!
અત્તર માફક મહેકો છો તે
કોણ અડ્યું અંધારા વચ્ચે!
સાન સમૂળી ખોઈ બેઠા
ભ્રમણા ને ભણકારા વચ્ચે,
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!



સ્રોત
- પુસ્તક : કવિલોક - માર્ચ-એપ્રિલ ૨૦૧૯ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ