kadach - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કદાચ

kadach

સાહિલ સાહિલ
કદાચ
સાહિલ

ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,

શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.

અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,

કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.

લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,

ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.

કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,

કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.

પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,

તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.

‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,

શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008