જો કોઈ મને પૂછે; તારું જીવન કાં બદલાઈ ગયું?
jo koi mane puchhe; taru aa jivan kan badlai gayu?
દિલહર સંઘવી
Dilhar Sanghavi
દિલહર સંઘવી
Dilhar Sanghavi
જો કોઈ મને પૂછે; તારું આ જીવન કાં બદલાઈ ગયું?
હું ટૂંકો ઉત્તર વાળું છું : ભોળું હૈયું લલચાઈ ગયું!
હરરોજ મુકદ્દર કરતું'તું બહુ મમતાથી સ્વાગત મારું.
જ્યાં ડગ દીધા ત્યાં કાંટાનું એક પાથરણું પથરાઈ ગયું.
હૈયામાં હોળી બળતી'તી, બે આંખ હંમેશાં ગળતી'તી,
ફાગણ-શ્રાવણની પૂનમનું એક સાથ પરવ ઉજવાઈ ગયું!
તેઓને હસતાં દેખીને ના રોઈ શકાયું મારાથી,
દુખિયા દિલને સંતોષ થયો : ટાણું તો સરસ સચવાઈ ગયું.
પૂછો વિદ્વતજનને પૂછો; શું અર્થ ફરી ગ્યા શબ્દોના?
આ ચાર દિવસનું ચાંદરણું કાં દી' ઊગતાં સંતાઈ ગયું?
નહીં તો આ પ્રણયની ગાથા તો એક નાની સરખી વાત હતી,
પણ બખિયા ભરવા બેઠો ત્યાં ઝીણું ઝીણું કંતાઈ ગયું.
જીવનની સફળતાનો છૂપો ઇતિહાસ તમે એને પૂછો-
એ શાખ જનાઝો પૂરે છે, આંસુથી કફન ભિંજાઈ ગયું.
ક્યારેક મિલનની મોજ-મઝા, ક્યારેક વિરહની લાખ વ્યથા,
લો બે જ શબદમાં જીવનનું પુસ્તક આખું વંચાઈ ગયું.
દિલહર આ મારું મૃત્યુ તો એક સીધી સાદી વાત હતી,
થાકેલ ઉતારું જાણે કે ઝોલું લેવા લંબાઈ ગયું!
સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 161)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ
