sahi nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સહી નથી

sahi nathi

જલન માતરી જલન માતરી
સહી નથી
જલન માતરી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,

શયતાન સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,

સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,

મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનોએ કહ્યું,

લાગે છે રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાડૂબ સ્મિતને,

મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે,

બંદગીનો દ્રોહ છે, બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,

જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008