jawab lai aawo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જવાબ લઈ આવો

jawab lai aawo

કાબિલ ડેડાણવી કાબિલ ડેડાણવી
જવાબ લઈ આવો
કાબિલ ડેડાણવી

હોય એવી શરાબ લઈ આવો,

હા કે ના-નો જવાબ લઈ આવો.

ઠેસ પહોંચાડવી છે હૈયા ને?

કોઈ તાજું ગુલાબ લઈ આવો.

મારી બેહોશી દૂર કરવી છે,

નયનની શરાબ લઈ આવો.

દિલનો અંધકાર દૂર કરવો છે,

ધરતીનો મોહતાબ લઈ આવો.

ફૂલ ખીલ્યાં છે જખ્મનાં લાખો,

નભ સમી ફૂલછાબ લઈ આવો.

દિલ નિચોવીને રંગ પૂરી દઉં,

કોઈ સાદું શું ખ્વાબ લઈ આવો.

મદભરી આંખના સવાલો છે,

દિલ કનેથી જવાબ લઈ આવો.

દિલનો દરિયો છે શાંત, કેમ ડૂબું?

નાવ કોઈ ખરાબ લઈ આવો.

મારે સ્હેલી રીતે નથી મરવું,

હાનો જૂઠો જવાબ લઈ આવો.

મારા જીવનનો હાલ જોવો છે?

એની જીવન-કિતાબ લઈ આવો.

સાવ સહેલો સવાલ છે મારો,

કોઈ અઘરો જવાબ લઈ આવો.

તો દિલનો સવાલ છે, 'કાબિલ'!

જાઓ, સારો જવાબ લઈ આવો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4