angat kari laun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંગત કરી લઉં છું

angat kari laun chhun

અકબરઅલી જસદણવાળા અકબરઅલી જસદણવાળા
અંગત કરી લઉં છું
અકબરઅલી જસદણવાળા

કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,

ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.

કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,

નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.

જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,

ખુશી આવે - ગમી આવે, પરોણાગત કરી લઉં છું.

નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,

પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.

સભામાં કોઈ ‘અકબર'થી પરાયું રહી નથી શકતું,

ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4