amuk wato hridayni ba’ra hun lawi nathi shakto - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો

amuk wato hridayni ba’ra hun lawi nathi shakto

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો
અમૃત ઘાયલ

અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો;

કંઈ અશ્રુઓ એવાં છે કે ટપકાવી નથી શકતો.

કોઈની રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો;

પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો;

જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈ પણ દૃશ્યથી દિલને હું બહેલાવી નથી શકતો;

હજારો રંગ છે પણ રંગમાં આવી નથી શકતો.

જાણે સાનમાં શી વાત સમજાવી ગયું કોઈ!

હું સમજું છું છતાં શબ્દોમાં સમજાવી નથી શકતો.

રડવાની કસમ ઉપર કસમ જાય છે આપ્યે!

ઊમટતાં જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ નિરંતર પીઉં છું મદિરા,

પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતું છે મનની નિર્બલતા કે પરવશતા!

કદી પીધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,

દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઈ હો, એને કહી દે દિલ!

કે ‘ઘાયલ’ પી રહ્યો છે જાવ, આવી નથી શકતો.

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004