je shodhman gum thai jawun ho, e shodhno aaro sha mate? - Ghazals | RekhtaGujarati

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?

je shodhman gum thai jawun ho, e shodhno aaro sha mate?

ગની દહીંવાલા ગની દહીંવાલા
જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?
ગની દહીંવાલા

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?

નૌકાને વળી લંગર કેવું? સાગરને કિનારો શા માટે?

શેકાઈ ચૂક્યું છે કૈંક સમે સૌન્દર્યની ઉષ્માથી જીવન,

આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે?

મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,

તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં:

રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે?

મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,

અંધાર ન હો જ્યાં રજનીનો, પૂજાય સવારો શા માટે?

અપમાન કરીને ઓચિંતાં મહેફિલથી ઉઠાડી દેનારા!

મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો 'તો અવકાશ અમારો શા માટે?

તોફાન તો મનમાન્યું કરશે પણ એય વિમાસણ છે મોટી:

નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે?

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007