jara khushbu, jara jhakal, jara ajwas lawyo chhun - Ghazals | RekhtaGujarati

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું

jara khushbu, jara jhakal, jara ajwas lawyo chhun

હેમેન શાહ હેમેન શાહ
જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું
હેમેન શાહ

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું.

હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,

કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,

ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે.

ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,

હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,

સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટાહાસ લાવ્યો છું.

સ્રોત

  • પુસ્તક : લાખ ટુકડા કાચના (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1998