jaherman e damam ke pas aawwa na de - Ghazals | RekhtaGujarati

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે

jaherman e damam ke pas aawwa na de

મરીઝ મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે
મરીઝ

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,

અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,

જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,

તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,

થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?

રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,

સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,

જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,

કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’

પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009