jagran nathi - Ghazals | RekhtaGujarati

જાગરણ નથી

jagran nathi

સુરેશ દલાલ સુરેશ દલાલ
જાગરણ નથી
સુરેશ દલાલ

પહેલાં હતું આજનું વાતાવરણ નથી:

રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી!

તેં જે નથી કહી બધી વાત યાદ છે:

તેં જે કહી વાતનું કોઈ સ્મરણ નથી!

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર:

કહેતા હતા મને કે કોઈ આવરણ નથી!

હું છું તમારી પાસ: ઉપેક્ષાની રીત આ:

આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી!

અહીંયાં બધી દિશાએથી પડતો રહ્યો બરફ:

દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી!

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદાઃ

શુ કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી!

(૧૯૬૮)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986