jaat olangii jataan naa aavdyun to naa j aavdyun - Ghazals | RekhtaGujarati

જાત ઓળંગી જતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

jaat olangii jataan naa aavdyun to naa j aavdyun

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
જાત ઓળંગી જતાં ના આવડ્યું તો ના જ આવડ્યું
ભાવેશ ભટ્ટ

જાત ઓળંગી જતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

એ રીતે સુખી થતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

એ બધું આપે જ છે, ધીરજ ધરો ને શાંતિ જાળવો

આટલું સ્વીકારતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

ત્યાં જ ખોવાયું હતું ઘર, સ્હેજ શોધ્યું હોત તો મળત!

માળિયું ફંફોસતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

સ્વપ્ન કે આંખો કે જીવન કે હૃદયના માર્ગ પર કદી

કોઈને અટકાવતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

ખ્યાલ પણ એનો, છે એની નિશાની આમ તો છતાં

અન્ય માફક તોડતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

ઠાલવી દે છે હૃદય ભીંતોની સામે કોઈ કોઈ તો

એમ પણ હળવા થતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

કણસી કણસીને મદદનું પૂર લાવ્યો તું, ને અમને તો

કોઈ સામે હાંફતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય

એ ગઝલમાં લાવતાં ના આવડ્યું તો ના જ આવડ્યું

સ્રોત

  • પુસ્તક : વિવેક ચૂકે (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : ભાવેશ ભટ્ટ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025