જાન ચાલી છે
jaan chaalii chhe
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

(સ્વજનના મૃત્યુ પ્રસંગે લખેલી ગઝલ)
થયાં છે લોક ભેગાં કેમ? આ શાની ખુશાલી છે?
કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે?
હવે ખુદ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની;
કઝાએ પણ ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે!
ઘડીમાં દીપ સળગે છે, ઘડીમાં ઓલવાયે છે;
અમારી આ જવાની છે કે પાગલની દિવાલી છે?
પતી જાય છે ઘરમેળે, અમારે દાન અશ્રુનું!
હૃદય પોતે જ દાતા છે, નયન પોતે સવાલી છે.
રડે છે કોણ એવું પોક મૂકી શૂન્યના શબ પર?
મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે!!



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 212)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ