indeterminate constantni gajhal - Ghazals | RekhtaGujarati

Indeterminate Constantની ગઝલ

indeterminate constantni gajhal

હેમેન શાહ હેમેન શાહ
Indeterminate Constantની ગઝલ
હેમેન શાહ

છે ઉમર લાંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,

માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.

દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,

પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.

ધડ્ દઈ ને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,

ચૂં કે ચાં પણ ક્યાં કરી શકશે તરત ક, ખ, કે ગ?

લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર

એક સાથે કંઈ પરિબળ કાર્યરત ક, ખ, કે ગ.

ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,

બસ કરી દો બંધ મેલી રમત : ‘ક, ખ, કે ગ?’

સ્રોત

  • પુસ્તક : ક, ખ, કે ગ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989