પછી ચાલ્યા જશું
pachhii chaalyaa jashun
પ્રણય જામનગરી
Pranay Jamnagari

એક કે બે પળ પછી ચાલ્યા જશું,
જીવ થશે ઝળહળ પછી ચાલ્યા જશું.
છે પ્રસંગો સંકળાયેલા સકળ,
તૂટશે સાંકળ પછી ચાલ્યા જશું.
નહિ રહે કોઈ રહસ્યો અપ્રકટ,
નહિ રહે અટકળ, પછી ચાલ્યા જશું.
એ જ મુક્તિ આપશે ને એ જ તો,
ખોલશે સાંકળ પછી ચાલ્યા જશું.
બિંદુએ બિંદુ જીવનબળ હોય છે,
નહિ રહે ઝાકળ; પછી ચાલ્યા જશું.
માન રાખીશું મરણનું પણ 'પ્રણય’
ખૂટશે અંજળ પછી ચાલ્યા જશું.



સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ : ડિસેમ્બર - ૨૦૦૮ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી