હું નથી પૂછતો ઓ સમય! કે હજી
hun nathii puuchhto o samay! ke hajii
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

હું નથી પૂછતો ઓ સમય! કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને
જોઈએ તારે આખર જખમ કેટલા?
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે, રાજી તને રાખવા
પૂજવા પડશે મારે સનમ કેટલા?
દર્દની લાગણીનાં ઘણાં રૂપ છે
માત્ર આંસુ જ હોવાં જરૂરી નથી;
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર
વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?
પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી
શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો
મૌન પેદા કરે છે ભરમ કેટલા!
શ્વાસની જુનવાણી રસમના બળે
મોત જેવા તકાદા નભી જાય છે;
જિંદગી! તું જ કહી દે, આ કબ્રો ગણી
દમ વિનાના છે તારા નિયમ કેટલા?
સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી
આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી;
એક ઈશ્વરને માટે મમત કેટલો?
એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 426)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ