hun kashunk pi gayo chhun - Ghazals | RekhtaGujarati

હું કશુંક પી ગયો છું

hun kashunk pi gayo chhun

ગની દહીંવાલા ગની દહીંવાલા
હું કશુંક પી ગયો છું
ગની દહીંવાલા

તો કંપ છે ધરાનો, તો હું ડગી ગયો છું,

કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,

કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હુંય સૂર્ય કિન્તુ હતી તમારી છાયા,

ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,

કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,

નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,

જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની આગળ રહ્યું છે શીશ અણનમ,

કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004