mari honshiyarine - Ghazals | RekhtaGujarati

મારી હોંશિયારીને

mari honshiyarine

ખલિશ બડોદવી ખલિશ બડોદવી
મારી હોંશિયારીને
ખલિશ બડોદવી

મોહબ્બતમાં નથી જીવી શકાતું મનને મારીને,

મંજિલમાં કદમ મૂકે કોઈ સમજી-વિચારીને.

હવે પુષ્પો મળે કે કંટકો તકદીર ઉપર છે,

કોઈના આંગણે બેઠો છું હું પાલવ પ્રસારીને.

સમયના સવાલો તો મને પાગલ કરી દેશે,

સુરાલયથી કોઈ લઈ આવો મારી હોશિયારીને.

પ્રણયમાં જિંદગી વીતી ગઈ છે ને વીતી જાશે,

હવે ખૂબસૂરત ભૂલ શું કરશું સુધારીને?

મદિરા એવી રીતે અમને આપે છે હવે સાકી,

કે જાણે ભીખ આપે લખપતિ કોઈ ભિખારીને.

ચમનની વાત પુષ્પોથી નહીં, કાંટાઓથી પૂછો,

કે બેઠા છે અહીં જેઓ જીવન આખું ગુજારીને

જીવનની કોને પરવા છે! છે પરવા તુજને મળવાની!

ભલે નાવ ડૂબી જાય અમને પાર ઉતારીને.

‘ખલિશ' પૂછી ગયા તેઓ, ‘તબિયત કેમ છે તારી?’

દુઆઓ દઈ રહ્યો છું હું હૃદયની બેકરારીને.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4