ખબર છે
khabar chhe
અમૃત ઘાયલ
Amrut Ghayal
એને જ અમે નિત્ય ઉપાસી છે ખબર છે,
આ મસ્તીનો અંજામ ઉદાસી છે ખબર છે.
આ મીન બધાં જળના નિવાસી છે ખબર છે,
બે ચાર ઘડીના એ વિલાસી છે ખબર છે.
બહુ ભયમાં બધા ભોળા પ્રવાસી છે ખબર છે,
આ હોડીના ખૂટેલ ખલાસી છે ખબર છે.
ઝૂરે છે દિશાઓ અને ભેંકાર રડે છે,
આ રાત અજંપાની અગાસી છે ખબર છે.
આ વાતાવરણમાં જ છે તાસીર રતિની,
નાડ એની મેં કૈં વાર તપાસી છે ખબર છે.
અમને ન કહો એની ચટક હોય છે કેવી,
કળીઓને એમ ખૂબ ચકાસી છે ખબર છે.
મ્હેંકે છે છતાં એમની પત્તી વિષે અત્તર,
આ ફૂલ બધાં આમ તો વાસી છે ખબર છે.
કંટકનું ગજું શું કે પ્રવેશી શકે પગમાં,
મારી જ આ પેનીમાં કપાસી છે ખબર છે.
પીએ છે સ્વયં એથી અધિક પાય છે સહુને,
'ઘાયલ' તો પિયાસીના પિયાસી છે ખબર છે.
સ્રોત
- પુસ્તક : ઝાંય (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : અમૃત ઘાયલ
- પ્રકાશક : શ્રીમતી ભાનુમતી અ. ભટ્ટ
- વર્ષ : 1982