હેઈસો! (દરિયાઈ ગઝલ)
heiso! (dariiyaaii gazal)
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma
દરિયામાં લુમ્બઝુમ્બ છે શેવાળ હેઈસો!
છેદાઈ ક્યાં છે મારી જનમનાળ હેઈસો!
કાંઠા ભલે ને હોય આ ખડકાળ હેઈસો!
મોજાંના મારથી થશે રેતાળ હેઈસો!
છીપલાંઓ, શંખ, માછલી, ડૂબેલ જહાજ, લાશ;
દરિયોય કેટલો છે બચરવાળ હેઈસો!
માણેકથંભ છોડીને માલમ કૂવાને થંભ;
ફીણાવી આવજાવ શી ઘટમાળ હેઈસો!
હેલ્લારો! વ્હાણ હું જ છું હેલ્લારો! દૂર દૂર...
કાંઠા ઉપરનો હું જ સ્થગિત કાળ હેઈસો!
ચીંધે છે દશ દિશાઓ દીવાદાંડી આંધળી;
દરિયાને શ્વાસ રાતદિવસ ફાળ હેઈસો!
છેલ્લું વહાણ છૂટવાની વેળા થઈ ગઈ;
માલમ, તું 'બેવડા'ને હવે બાળ હેઈસો!
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1976 (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
