have rasto badal o dil ke aenun ghar nahin malshe - Ghazals | RekhtaGujarati

હવે રસ્તો બદલ ઓ દિલ કે એનું ઘર નહીં મળશે

have rasto badal o dil ke aenun ghar nahin malshe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
હવે રસ્તો બદલ ઓ દિલ કે એનું ઘર નહીં મળશે
બરકત વીરાણી 'બેફામ'

હવે રસ્તો બદલ દિલ કે એનું ઘર નહીં મળશે;

અને મળશે તો પહેલાંના સમો આદર નહીં મળશે.

નહીં મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,

મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને,

સૌનો છે ભલે, પણ સૌને કંઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,

જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળશે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ છે ‘બેફામ’,

સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

સ્રોત

  • પુસ્તક : ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ
  • વર્ષ : 2004