હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે
havaano haath jhaaliine rakhadtaan aavdii gyu chhe

હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે
havaano haath jhaaliine rakhadtaan aavdii gyu chhe
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશબૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.
બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતાં આવડી ગ્યું છે.
હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી?
મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે.
હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે!
ખલીલ! અશ્રુ હવે મારાં ગણાશે હર્ષનાં અશ્રુ,
મને પણ હોઠ મલકાવીને રડતાં આવડી ગ્યું છે!



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 92)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000