હવામાં ઝૂલતાં ડૂંડાં હતાં
havaamaa jhultaa dundaa hataa
વિપુલ પરમાર
Vipul Parmar

હવામાં ઝૂલતાં ડૂંડાં હતાં પણ ધાન આવ્યાં નહિ,
અમારો કોળિયો થઈ એકપણ ભગવાન આવ્યા નહિ!
હું મારા પાત્રને એ કારણે આપી શક્યો નહિ ન્યાય,
કથા આવી અધૂરી કૈક, અનુસંધાન આવ્યાં નહિ.
બરાબર આમળી, થોડા કડક થઈને, બધું પૂછત.
અમારા હાથમાં પણ જિંદગીના કાન આવ્યા નહિ.
હતા કેવા સરળ દિવસો, હતો જ્યારે હું કેવળ હું!
તમે આવ્યાં પછી એકે દિવસ આસાન આવ્યા નહિ!
રહ્યું છે બહાર અંદર એટલે આવું સૂકું જીવન
નવું સર્જન કરે એવાં કદી તોફાન આવ્યાં નહિ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ