hatun - Ghazals | RekhtaGujarati

ધૂંધળા દીવા સમું આઘેથી દેખાતું હતું.

ને નિકટ જઈને નિહાળ્યું તો હૃદય બળતું હતું!

ચાર કેસૂડાંઓ તરફડતાં રહ્યાં વૈશાખમાં,

ને જગત આખુંય એના રંગથી રાતું હતું!

પાંચદશ ભીનાશવાળા શબ્દ બહેલાવી ગયા

લાગણીની શકયતાનું હોઠ પર કંકુ હતું.

ડાયરીનાં એકબે પાનાંઓ ખેાવાઈ ગયાં

પાના પર તમારું નામ-સરનામું હતું!

સ્પર્શની બારી ઉઘાડીને તરત ભાગી ગયું

ટેરવાં પર એક સ્પંદનનું હરણ બેઠું હતું.

ટોડલા પર પ્રેમનાં તોરણ સતત બાંધી ગયો

આમ તો જીવન મનહરનું બહુ સૂકું હતું.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981