hakkabakka thai gaya pardeshman - Ghazals | RekhtaGujarati

હક્કાબક્કા થઈ ગયા પરદેશમાં

hakkabakka thai gaya pardeshman

અદમ ટંકારવી અદમ ટંકારવી
હક્કાબક્કા થઈ ગયા પરદેશમાં
અદમ ટંકારવી

હક્કાબક્કા થઈ ગયા પરદેશમાં

પાણીછલ્લા થઈ ગયા પરદેશમાં

મુઠ્ઠી અજવાળું ખરચાઈ ગયું

ઝાંખાપાંખા થઈ ગયા પરદેશમાં

હોઠ ઉપર હાઈ હલ્લો રહી ગયું

ખાલી હોહા થઈ ગયા પરદેશમાં

વૉગ પાકી સાંભળી હસતા રહ્યા

સાવ નકટા થઈ ગયા પરદેશમાં

ભૂરી ભૂરી આંખો છલકાઈ ગઈ

શેખ પીતા થઈ ગયા પરદેશમાં

આપણો અસ્સલ કલર ઊડી ગયો

દાધારંગા થઈ ગયા પરદેશમાં

હા, વતનમાં આપણે અકબંધ હતા

કટકાકટકા થઈ ગયા પરદેશમાં

વર્ક વુમન વૅધરના ત્રિશંકુ ઉપર

લ્યો, લટકતા થઈ ગયા પરદેશમાં

દેશથી લૅટર્સ જે આવ્યા હતા

પીળચટ્ટા પીળચટ્ટા થઈ ગયા પરદેશમાં

હા, સ્પૅક્ટેટર્સ, બની આવ્યા હતા

ને તમાશા થઈ ગયા પરદેશમાં

ભરબપોરે આંખ ખુલ્લી અને

ડ્રીમ જોતા થઈ ગયા પરદેશમાં

કોલ્ડ વૅધરમાં કલમ થીજી ગઈ

હાથ ઘસતા થઈ ગયા પરદેશમાં

રસપ્રદ તથ્યો

(વૉગ પાકી : બ્રિટનમાં એશિયનોને કરાતું અપમાનજનક સંબોધન)

સ્રોત

  • પુસ્તક : ગુજલિશ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2001