haath jodiine arath chaalyo gayo - Ghazals | RekhtaGujarati

હાથ જોડીને અરથ ચાલ્યો ગયો

haath jodiine arath chaalyo gayo

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
હાથ જોડીને અરથ ચાલ્યો ગયો
રાકેશ હાંસલિયા

હાથ જોડીને અરથ ચાલ્યો ગયો,

મૌનના શરણે પરત ચાલ્યો ગયો.

હાથનું પૂછો તો એના છે,

ટેરવાંમાંથી કસબ ચાલ્યો ગયો.

કોણ જાણે કેવું ફાટ્યું'તું ખમીસ?

ટેભા લેવામાં જનમ ચાલ્યો ગયો!

ફૂલની ચર્ચા જગત કરતું રહ્યું,

મ્હેકથી મ્હેકી પવન ચાલ્યો ગયો!

લ્યો, હવે તો ફૂલ ડૂબી જાય છે!

તરતા પથ્થર વખત ચાલ્યો ગયો.

હમસફર સમજી હતી પરછાંઈને,

સાંજ ઢળતાં ભરમ ચાલ્યો ગયો.

કાં હજી ‘રાકેશ’ બેઠો છે અહીં?

ઘેર જા, આખો મલક ચાલ્યો ગયો.

સ્રોત

  • પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : રાકેશ હાંસલિયા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025