હામ ને હેસિયત થકી બેઠો
haam ne hesiyat thakii betho
હરીશ ઠક્કર
Harish Thakkar

હામ ને હેસિયત થકી બેઠો,
હું નથી કોઈના વતી બેઠો.
જેમનું નામ છે ઘણું મોટું,
એમનું નામ હું પૂછી બેઠો.
એક મીઠી નજરના બદલામાં,
મારી બે આંખ હું ધરી બેઠો.
જીવ ઉભડક હતો તમારી સમક્ષ,
'બેસ’ – કીધું તમે, પછી બેઠો.
ચિત્ર દોરું છું તારું રોજેરોજ,
હાથ મારો હજુ નથી બેઠો.
શ્વાસ ખાવો કે રોટલા ખાવા?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો?



સ્રોત
- પુસ્તક : અમથા અમે જરાક ઇશારે ચડી ગયા (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : હરીશ ઠક્કર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2021