ગુર્જરી વ્યવહાર શોધું છું
gurjarii vyavhaar shodhun chhun
અદમ ટંકારવી
Adam Tankarvi

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.
તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.
જડી છે એક લાવારિસ ભાષા,
ને એનો દાવેદાર શોધું છું.
ગુજરાતીમાં લખી છે એક ગઝલ,
હું હવે વાંચનાર શોધું છું.
ગુર્જરી જામ છલોછલ છે, અદમ,
સાથે બેસી પીનાર શોધું છું.



સ્રોત
- પુસ્તક : શબ્દાલય : અંક ૪ : ૧૦ નવેમ્બર, ૨૦૧૪ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન