ગુલાબી આદમી છઈએ; રૂવાબી આદમી છઈએ
gulaabii aadmii chhaiiye; ruuvaabii aadmii chhaiiye
અમૃત ઘાયલ
Amrut Ghayal
ગુલાબી આદમી છઈએ; રૂવાબી આદમી છઈએ
gulaabii aadmii chhaiiye; ruuvaabii aadmii chhaiiye
અમૃત ઘાયલ
Amrut Ghayal
અમૃત ઘાયલ
Amrut Ghayal
ગુલાબી આદમી છઈએ; રૂવાબી આદમી છઈએ;
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ.
હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ.
અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ,
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ.
નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ.
ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં,
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ.
હિસાબો ચોપડે ના માંડતા કે રાખતા મોઢે,
પરંતુ આમ જુઓ તો હિસાબી આદમી છઈએ.
બગાવત મયકદામાં પણ કરી બેઠા છીએ 'ઘાયલ',
કસમ મન્સૂરના એ મસ્તખ્વાબી આદમી છઈએ.
સ્રોત
- પુસ્તક : ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 2004
