ghuughavtaa drushyanaa saatey saagar paar karvaa chhe - Ghazals | RekhtaGujarati

ઘૂઘવતા દૃશ્યના સાતેય સાગર પાર કરવા છે

ghuughavtaa drushyanaa saatey saagar paar karvaa chhe

બાબુલાલ ચાવડા 'આતુર' બાબુલાલ ચાવડા 'આતુર'
ઘૂઘવતા દૃશ્યના સાતેય સાગર પાર કરવા છે
બાબુલાલ ચાવડા 'આતુર'

ઘૂઘવતા દૃશ્યના સાતેય સાગર પાર કરવા છે,

પછી દૃષ્ટિ અને દ્રષ્ટાને એકાકાર કરવાં છે.

પ્રવાહી થઈ ગયેલા પવનમાં આંગળી બોળી,

સમયના ભાલ પર પીળાં તિલક બે-ચાર કરવાં છે.

ત્વચા પર ચોળવી છે રાખ ભસ્મીભૂત સ્પર્શોની,

સળગતા શ્વાસના કૂવાને ઠંડાગાર કરવા છે.

હવામાં ઝૂલતા સૌ મૌનના પડદાઓ ફાડીને,

અતિશય આર્તનાદે સેંકડો ચિત્કાર કરવા છે.

ઉછીની પણ કોઈ કૂંપળ સમી પળ એક આપે તો,

યુગોની શુષ્કતાઓને લીલા શણગાર કરવા છે.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : માર્ચ ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન