ગઝલગીતિ સુકોમલી
Ghazalgiti Sukomali
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
રમણદીપ ધરી કરે અભિસરે, વાસરઘરે કલકામિની,
મૃદુનુપૂરરવે મુદા મદસરે આ અવતરે મધુયામિની.
ચલિતકુંડલવ્યાકુલા જલકણાર્દ્રા શ્વસનવેગસમાકુલા,
સ્મરસ્મિતે વિપરીતકે સભર સોહે ચરાચરસ્વામિની.
દયિતવક્ષ પરે રતિશ્રમજલે સિક્તતનુ મુદ્રિતલોચના,
લલિત લોલ લયે શમે નીરવ અંતે શ્રુતિ યથા સમગામિની.
મુદિતમૌનધરા ધરા વસનવ્યસ્તા સ્ફુરિતરોમતૃણાંકુરા,
શરદસૌમ્ય નભે અહો અઘન આછું ઝળહળે ચિતિદામિની.
યદિ વિલાકુતૂહલા રસિકલીલાસરનિમજ્જનવિહ્વલા,
ગઝલગીતિ સુકોમલા શ્રવણહાલા શૃણુ સદા અયિ ભામિની.
રસપ્રદ તથ્યો
અર્પણ : અમરુક તથા જયદેવને
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
