gitna gheghur garmalaman - Ghazals | RekhtaGujarati

ગીતના ઘેઘૂર ગરમાળામાં

gitna gheghur garmalaman

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
ગીતના ઘેઘૂર ગરમાળામાં
મુકુલ ચોક્સી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,

બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,

સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો ગણિત અમથું નથી પાકું થયું,

બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,

પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં પગ મૂકવાની ચેતવણી દીધી,

પગ મૂકીને કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઊઘડે પલકારો થતાં,

વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001