aa mohabbat chhe ke chhe eni daya kaheta nathi - Ghazals | RekhtaGujarati

આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી

aa mohabbat chhe ke chhe eni daya kaheta nathi

મરીઝ મરીઝ
આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી
મરીઝ

મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી,

એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,

ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી.

લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ,

બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે,

મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી.

લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ,

જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’,

દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009