લય વગર, શબ્દો વગર, મત્લા વગર
lay vagar, shabdo vagar, matlaa vagar
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

લય વગર, શબ્દો વગર, મત્લા વગર,
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર!
તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર!
કેદ છું, ભીંતો વગરના ઘરમાં હું,
સંતરી ઊભો છે દરવાજા વગર!
સરહદો સૂની હશે તો ચાલશે,
શ્હેરમાં ચાલે નહિ પ્હેરા વગર.
મોરને કો' બાજપક્ષી લઈ ગયું,
સીમ સૂની થઈ ગઈ ટહુકા વગર.
કોક દિ' દીવો પવન સામે ધરો,
કોક દિ' ચલવી લો અજવાળા વગર.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 31)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000