hot to! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમ આગળિયો તમે ઝટપટ વાસ્યો હોત તો,

ખત તમે ફાડ્યો તરત, પૂર્ણ વાંચ્યો હોત તો!

વાદળોની કેફિયત વિસ્તારથી જાણી લીધી,

મોકળાશે પક્ષ ચાતકનોય જાણ્યો હોત તો!

રોજ થોડું જગાથી વસ્ત્ર ચિરાતું રહ્યું,

નાનકો ખાંપો તમે ત્યારે સાંધ્યો હોત તો!

વાયરાની પીઠ કાયમ થાબડી કારણ વગર,

કોક દી આભાર ખુશ્બૂનોય માન્યો હોત તો!

આંખથી લીધેલ અંદાજોય ખોટા થઈ શકે,

બથ ભરી છપ્પન પનો, જાતે માપ્યો હોત તો!

ભીડ જેવું સ્હેજ પણ લાગત નહીં ઘરમાં પછી,

પાંજરું રાખ્યા વિના ટહુકો પાળ્યો હોત તો!

સાવ સીધા માર્ગ પર ક્યાં લગી ચાલ્યા કરે,

વારતાને ક્યાંક સુંદર મોડ આપ્યો હોત તો!

સ્રોત

  • પુસ્તક : પાંપણ વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : કિશોર જીકાદરા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2019