gaun babat chhe - Ghazals | RekhtaGujarati

ગૌણ બાબત છે

gaun babat chhe

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
ગૌણ બાબત છે
ભરત વિંઝુડા

સતત ઘડિયાળના કાંટા ફર્યા તે ગૌણ બાબત છે,

પળોનાં મુડદાં ટપ ટપ ખર્યાં તે ગૌણ બાબત છે.

છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાંઓની,

હથેળીમાં કંઈ રણ વિસ્તર્યા તે ગૌણ બાબત છે.

ઝીલે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના,

ખીણો કંપી, પહાડો થરથર્યા તે ગૌણ બાબત છે.

તમે ક્યાં કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે,

અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે.

ખરેખર મોરમાં આશ્ચર્યની જેવું હોય તે ટહુકો,

ને એના કેટલાં પીછાં ખર્યા તે ગૌણ બાબત છે.

અનુભૂતિ ક્ષણોની, વાતાવરણની શું,

જીવીને કેટલાં વરસે મર્યા તે ગૌણ બાબત છે.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2020