galat - Ghazals | RekhtaGujarati

આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,

લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું જગત,

થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,

ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા શબ્દના વસ્તારના ભારે ઋણી,

ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી,

જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012