vatan hatu - Ghazals | RekhtaGujarati

જેને કહી રહ્યા છો ગગન ચમન હતું,

અમ બુલબુલોનું કદી પ્યારું વતન હતું.

ને તારલાઓ જેમને કહેતા રહ્યા તમે,

એકેક અમ ચમનનું ભલા સુમન હતું.

આદિ ને અંત એક હતાં જિંદગી મહીં,

ના કો’ ધરા હતી અને ના કો’ ગગન હતું.

ના કોઈ યુગ હતો વળી કો ક્ષણ હતી,

જ્યાં ખુદ સમય તણું કો’ આવાગમન હતું.

સાકી અમે જ, જામ અમે, મય-સદન અમે,

કૌસરની ઘૂંટથી ઘડ્યું તનબદન હતું.

સૈયદ ખુદ અમે હતા, બાગબાં અમે,

કીધું ધરા પ્રયાણ તે પહેલું પતન હતું.

જેને ધરા કહે છે તસવ્વુર ‘સમીર’ એ,

માનવ અનાદિ-કાફલાનું કૈં મનન હતું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 2002