સામે એ બે જણાંય બેઠાં’તાં
saame ae be jaNaay bethaa'taan
નિકુંજ ભટ્ટ
Nikunj Bhatt

સામે એ બે જણાંય બેઠાં’તાં;
આંખમાં વાદળાંય બેઠાં’તાં.
ચાલવું પડતું’તું વિચારીને,
માર્ગમાં ઝાંઝવાંય બેઠાં’તાં!
ચોરાની ચોકી કરવા માટે, તો-
ગામના આંધળાંય બેઠાં’તાં.
એ તમાશો પૂરો થઈ ગ્યો’તો,
કોને જોવાં બધાંય બેઠાં’તાં.
વાંક કોનો છે જઈને પૂછી લો,
બાગમાં બાંકડાય બેઠા’તા.
એકલો હું બબડતો નો’તો ભાઈ,
બાજુમાં બારણાંય બેઠાં’તાં.
એટલે ત્યાં વધારે બેઠાં નહિ,
કાંઠે સંભારણાંય બેઠાં’તાં.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ