Ghazal to have aavvani have chhhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગઝલ તો હજી આવવાની હવે છે!

Ghazal to have aavvani have chhhe

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
ગઝલ તો હજી આવવાની હવે છે!
રાજેન્દ્ર શુક્લ

તતત તોતડાતાં ભરે ડગ આ ભાષા,
         અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે?
ગઝલ તો હજી આવવાની હવે છે,
         હજી પૂરું વાતાવરણ ક્યાં રચ્યું છે!

ક્યહીં એક બે  શમા ટમટમે છે,
         પુરાણાં ક્યહીં ઝુમ્મરો ઝગઝગે છે,
તગે, તગતગે ક્યાંક આંખો અમસ્તું
         નર્યા નૂરનું અવતરણ ક્યાં રચ્યું છે!

કોઈ રેતના છળને ગાળી રહ્યા છે,
         કોઈ જન્મના વળ ઉખાળી રહ્યા છે,
કોઈ આછું ભાળી રહ્યા છે છતાં યે
         ફૂલો જેવું અંતઃકરણ ક્યાં રચ્યું છે!

ન દેખ્યું ન પાખ્યું સતત ઝરમરે છે,
         અડે પણ નહીં એવું આછું ઝરે છે,
અખોવન ઝિલાતો રે અણસાર એવું
તમે સૂક્ષ્મનું ઉપકરણ ક્યાં રચ્યું છે!

મને મળવા કાજે વચનબદ્ધ છે તું,
         ગઝલ હું ય તારા જ શ્વાસે શ્વસું છું,
પુકારું તો પળમાં પધારે, પરંતુ-
         તને શોભતું આભરણ ક્યાં રચ્યું છે!

સ્રોત

  • પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022