fenkai pan sakun chhun - Ghazals | RekhtaGujarati

ફેંકાઈ પણ શકું

fenkai pan sakun chhun

ગુણવંત ઉપાધ્યાય ગુણવંત ઉપાધ્યાય
ફેંકાઈ પણ શકું
ગુણવંત ઉપાધ્યાય

પથ્થર થવું નથી કશે ફેંકાઈ પણ શકું,

પગથી બનું તો પગ થકી ઊજવાઈ પણ શકું.

કૂંપળ થઉં તો કેટલાં વરસે ફળી શકું?

ફૂલો બનું તો વેણીમાં કરમાઈ પણ શકું.

આંખો થઉં જો આપની જોવું પડે ઘણું,

દૃષ્ટિ બનું તો કો’ક દિ’ બદલાઈ પણ શકું.

સેંથી થઉં, કચવાટનો સંભવ રહી જશે,

બિન્દી બનું તો હરપળે હરખાઈ પણ શકું.

શ્વાસો થઉં, બહારને અંદર થવું પડે,

ધડકન બનું તો જિન્દગીભર ગાઈ પણ શકું.

પાયલ થઉં તો કોઈ ક્ષણ જીરણ થઈ જઈ જઈશ,

પદરવ બનું તો ખુદ મને સંભળાઈ પણ શકું.

સ્વપ્ન થઉં તો જાગતાં ભૂલાઈ જાઉં પણ,

આંસુ બનું તો આંખથી છલકાઈ પણ શકું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૨૦૦૮ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : પુરુરાજ જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2010