maun najarni daad - Ghazals | RekhtaGujarati

મૌન નજરની દાદ

maun najarni daad

દિલહર સંઘવી દિલહર સંઘવી
મૌન નજરની દાદ
દિલહર સંઘવી

હોઠો પર તારું નામ હતું, હૈયામાં તારી યાદ હતી,

લે, તું કહે ઉજડેલી મુજ દુનિયા કેવી આબાદ હતી!

પુષ્પ તણી કળીઓ જાણે કે મોટા ઘરની વહુવારુ,

ધીમું ધીમું હસવું-વદવું, શી લાજ હતી, મરજાદ હતી!

પાંપણના દ્વારે લાવીને ધોધ, નયન ગૂંચવાઈ ગયાં,

ઝીલનારનો પાલવ ટૂંકો છે, અશ્રુની ફરિયાદ હતી.

છાની છાની ગૂફતેગો ચોરે ને ચૌટે પહોંચી ગઈ,

ના પુષ્પ-ભ્રમરને ખ્યાલ રહ્યો વાયુની લહર ઉસ્તાદ હતી.

શબ્દોમાં થોડો ફેર હતો પણ સાર હતો સૌનો એક જ,

દુનિયાના સઘળા મજહબની બસ ઇશ્ક ઉપર બુનિયાદ હતી.

લે, જાતાં જાતાં આપી દઉં અહેવાલ હું આખા જીવનનો,

લાંબા લાંબા જીવનમાં જીવવાની પળ એકાદ હતી!

બસ તે ગઝલ રચવા માટે હરરોજ મને પ્રેરી રહી’તી,

મહેફિલના ખૂણેથી મળતી જે મૌન નજરની દાદ હતી!

‘દિલહર’ ક્યારેય વ્યથાઓએ હૈયાનો પીછો ના છોડ્યો,

કારણ કે મુજને અંત લગી મેળાપની ઘડીઓ યાદ હતી.

સ્રોત

  • પુસ્તક : ધન્ય છે તમને (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : રૂપાયતન, જૂનાગઢ
  • વર્ષ : 2025