kinmat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવન આખ્ખું પળેપળ ચૂકવી યાદની કિંમત,

ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત.

બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી,

ગઝલ કરતાં વધારે હોય જ્યારે દાદની કિંમત.

અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયાં પર ઘસો ચંપલ,

બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત.

હતો કાલ લગ બેઘર, જાણે શું કર્યાં ધંધા,

અદાથી આજ પૂછે છે અમદાવાદની કિંમત.

ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને,

બધાની છોડ, પૂછી જો જરા એકાદની કિંમત.

રહ્યો છું ‘હર્ષ’ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો,

હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત.

સ્રોત

  • પુસ્તક : ઝાકળ ને તડકાની વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013