gujratiman gajhlo lakhtan jarsiman warso kaDhyan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં

gujratiman gajhlo lakhtan jarsiman warso kaDhyan

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં
આદિલ મન્સૂરી

ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં

આદિલજીએ હસતાં રમતાં જર્સીમાં વરસો કાઢ્યાં

શબ્દને સાથે લૈને ફરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

અર્થની કૈં ચિંતા ના કરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

અમદાવાદના સપનાં જોતાં જર્સીમાં વરસો કાઢ્યાં

બેવતનીના દિવસો ગણતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ભીંતો સાથે વાતો કરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ભીંતોની વાતો સાંભળતાં જર્સીમાં વરસો કાઢ્યાં

એકલતાનો ડાયરો ભરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ખુદનો પડછાયો થૈ ફરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ભરચક ભીડમાં રસ્તો કરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

પોતાનો પગરવ સાંભળતાં જર્સીમાં વરસો કાઢ્યાં

‘રે મઠ’ના મિત્રોને સ્મરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

‘સાઠ દિવસ’માં હાજરી ભરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ઠંડા ઠંડા શ્વાસો ભરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

બર્ફના કણકણમાં ઓગળતાં જર્સીમાં વરસો કાઢ્યાં

આટલી બધ્ધી ઠંડી ભાઈ આટલો બધ્ધો બરફ

મોસમની ફરિયાદો કરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ચારે બાજુ બરફના ડુંગર ઝંઝાવાત બરફના

પગ પગ પડતાં ને આથડતાં જર્સીમાં વરસો કાઢ્યાં

ચિનુ સાથે મનોજ સાથે ઉદયન સાથે અનિલ...

શોભિતની ગઝલો સાંભળતાં જર્સીમાં વરસો કાઢ્યાં

અમદાવાદમાં જન્મ મળ્યો ને બચપણ છેક કરાંચી

પાછા અમદાવાદ, ને ફરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

કાલે પાછા ચાલ્યા જાશું નક્કી કાલે પાછા

કાલે કાલે કરતાં કરતાં જર્સીમાં વરસો કાઢ્યાં

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996