રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખીલતું રહેતું નથી જ્યારે ચમન છેવટ સુધી,
તે પછી ક્યાંથી રહે હસતું સુમન છેવટ સુધી.
એ બહુ સારું થયું નહિ તો દીવાનો થૈ જતે,
મર્મની વાતોને એ સમજ્યો લવન છેવટ સુધી.
થઈ ગયેલી એ ઝલક પછી થશે એ આશમાં,
તે તરફ જોતાં રહ્યાં મારાં નયન છેવટ સુધી.
કેમ આવ્યો – કેમ બેઠો – કેમ હું ચાલ્યો ગયો,
પરખી તેઓ શક્યાં ના મારું મન છેવટ સુધી.
ભરસભામાં વાત હું દિલની કહી બેસી ગયો,
રહી ગઈ જોતી સભા મારું વદન છેવટ સુધી.
એક તુજ જાવા થકી વેરાન જેવી થૈ ગઈ,
જાળવી રોનક શકી ના અંજુમન છેવટ સુધી.
કોઈ એવી ઉન્નતિને સાંભળી છે, દોસ્તો,
કે નહિ જેનું થયું હોયે પતન છેવટ સુધી?
તારો મારો આ પ્રસંગ ઇતિહાસ થૈને રહી ગયો,
ગર્વ તુજ છેવટ સુધી, મારું નમન છેવટ સુધી.
કોઈને છેવટ સુધી હસવું મળ્યું, વાહ રે નસીબ,
કોઈને કરવું પડ્યું જગમાં રુદન છેવટ સુધી.
સાથીઓ થાકી ગયા ને દૂર હતી મંજિલ 'સગીર’,
એકલો કરતો રહ્યો હું પથગમન છેવટ સુધી.
લવન : કાપવું, છેદવું. અંજુમન : સભા, મિજલસ.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961