poorn akar pami shakayo nathi, chakDa par mane koi bhuli gayun - Ghazals | RekhtaGujarati

પૂર્ણ આકાર પામી શકાયો નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

poorn akar pami shakayo nathi, chakDa par mane koi bhuli gayun

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
પૂર્ણ આકાર પામી શકાયો નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું
આદિલ મન્સૂરી

પૂર્ણ આકાર પામી શકાયો નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

એટલે સાવ અણઘડ રહ્યો છું હજી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

રૂપ કે રંગ કે સાજ શણગાર ક્યાં, મારા હોવા વિશેનોય અણસાર ક્યાં

ને હજી નામ જેવુંય કંઈ પણ નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

ચોતરફથી બધાં બારણાં બંધ છે, માર્ગ મળતો નથી કે હવા અંધ છે

શ્વાસ ગૂંગળાય છે માટીની ગંધથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

અધૂરાપણાને સ્વીકારો હવે, કોઈ આવી અહીંથી ઉગારો હવે

ચક્ર દુર્ભાગ્યનું પણ અટકતું નથી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

ધીમું ધીમું ફર્યા કરતું પૈડું સતત, શી ખબર ક્યાં જઈને અટકશે રમત

હું તો થાકી ગયો એના ફેરા ગણી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

જાતને લૂણો લાગેલો દેખાય છે, પિંડ ખુલ્લો પડેલો કહોવાય છે

ઊંડા ખાડામાં ફંગોળશે એક દી, ચાકડા પર મને કોઈ ભૂલી ગયું

હા વલીથી લઈ છેક આદિલ સુધી, શું કશું ક્યાંક ખૂટ્યા કરે છે હજી

કે ગઝલ રોજ ફરિયાદ કરતી રહી: “ચાકડા પર મને કોઈ ભૂલી ગયું”

સ્રોત

  • પુસ્તક : ઉદ્દેશ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : પ્રબોધ ર. જોશી