em nahi ke nam nabhman gajatun karawun hatun - Ghazals | RekhtaGujarati

એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું

em nahi ke nam nabhman gajatun karawun hatun

નીરજ મહેતા નીરજ મહેતા
એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું
નીરજ મહેતા

એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું

આપણે તો નગરને વાંચતું કરવું હતું

એટલે તો ગટગટાવ્યું મોકલ્યું જે એમણે

સોમ કે સોમલ બધુંયે ભાવતું કરવું હતું

હોઠ છો કૈં ના કહે પણ આંખ સમજે એટલું

ગુપ્ત રાખી શું કરું જેને છતું કરવું હતું

બંદગી, પૂજા, નમાજો, મંત્રજપ, જાત્રા કે હજ

કોઈ પણ રીતે ગગનમા પહોંચતું કરવું હતું

આવશે વાંછટ છતાંયે બારણાં-બારી ખૂલ્યાં

આંધળા ઘરને ફરીથી દેખતું કરવું હતું

ગાંઠ ખીલેથી વછોડી લઈ ગયા ડેલી સુધી

પત્ર આવે ત્યાં ફળિયું દોડતું કરવું હતું

એમ નહિ કે બસ ગઝલમાં રાચતું કરવું હતું

આપણે તો નગરને નાચતું કરવું હતું

સ્રોત

  • પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : ડૉ. નીરજ મહેતા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014